સર્ગ  બીજો

નિત્યની  રાત્રિમાં યાત્રા અને અંધકારનો  અવાજ

 

વસ્તુનિર્દેશ

 

              રાત્રિની ભાવશૂન્ય ભયાનક કિનાર પર ત્રણ જણ જરાક થંભ્યાં. જાણે કે એક આખા જગતનું આવી બન્યું હોય તેમ તેઓ નિત્યની નીરવતાની ધારે વાટ જોવા લાગ્યા. સામે છાયામયી સમાં પાંખો અંધારાં હતાં, પાછળ ઝાંખી નિષ્પ્રાણ સંધ્યા મૃત મનુષ્યની દૃષ્ટિ જેવી જણાતી હતી, પારમાં ભૂખી રાત્રિ સાવિત્રીના આત્મા માટે સ્પૃહા રાખી રહી હતી.

               તેમ છતાંય સાવિત્રીનો જવાલા જેવો જ્વલંત આત્મા એક મશાલની માફક જળતો 'તો ને ભીષણ અંધકાર હૈયા તરફ તકાયેલો હતો. સ્ત્રીએ પહેલી વાર પાતાલગર્તનો સામનો કર્યો. એનો અમર અને અભય  આત્મા નિષ્ઠુર ને દૃષ્ટિહીન કાળા વેરાન સામે ઊભો ને પ્રકાશથી સજજ થઈ ભીષણ ને રંગરાગ  વગરની રિક્તતામાં એણે પગલું ભર્યું. ત્રણે જણાં જાણે  સ્વપ્નમાં સરતાં હોય તેમ સરવા લાગ્યાં. ભૂત ને વર્તમાન અકાળમાં લોપ પામ્યા, ભવિષ્ય શૂન્યતામાં સમાપ્ત થઈ ગયો. તિમિરના જગતમાં તેઓ ચાલતાં દેખાતાં પણ ક્યાંય આગળ વધતાં જણાતાં ન 'તાં. કાળો અંધકાર મહાગહવર સમાં ગાળામાં સાવિત્રીને ગળી ગયો. વિચાર ત્યાં વિરમી જતો 'તો, શ્વાસ ત્યાં ચાલી શકતો ન 'તો, જીવ કશું યાદ રાખી કે સંવેદી શકતો ન 'તો. અહીં નિત્યનો નકાર હતો. પ્રભુનું પરમ સત્ય હોવાનો, સચૈતન્ય આત્મા હોવાનો, દૃષ્ટિ ઉઘાડતો શબ્દ હોવાનો, મનનો સર્જનહાર પ્રહર્ષ હોવાનો, પ્રેમ-જ્ઞાન-હૃદયાનંદ હોવાનો જે કોઈ અહીં દાવો કરે છે તે સર્વને માથે નિત્યનો નકાર ગાજતો 'તો. સોનેરી દીપિકાની જેમ સાવિત્રી ત્યાં છાયાઓમાં અદૃશ્ય થઈ ગઈ.

               ન 'તો માર્ગ, ન 'તું લક્ષ્ય. દૃષ્ટિરહિતા એ આગળ ચાલ્યા કરતી હતી. એ ભયાનક વેરાનમાં એને કોઈનો સાથ ન 'તો, ઘોર મૃત્યુદેવ પણ દેખાતો ન 'તો,

૧૭૩


 જ્યોતિર્મય સત્યવાન પણ દૃષ્ટિગોચર ન 'તો. તેમ છતાં સાવિત્રી નાસીપાસ થઈ નહિ, ઊલટું વધારે ગાઢ ભાવથી એણે પોતાના પ્રેમપાત્રને પકડી રાખ્યો. આ પ્રકારે જયારે સત્યવાન જીવંત હતો ત્યારે વનવીથિઓમાં અલોપ થઈ જતો 'તો. પણ અત્યારે તો ઘોર કાળો ખાધરો ઉભય વચ્ચે આવી ગયો ને સાવિત્રી એકલી પડી ગઈ.

             જીવનના મડદા ઉપર થઈને એ ચાલી, ને નિર્વાણ પામી ગયેલા જીવોની અંધતામાં અંતર્લીન થઈ ગઈ. એકલવાયી એ યાતનાઓથી ભરી રિક્તતામાં મૃત્યુ હોવા છતાંય જીવી ને વિજયી બનતી રહી.

              હવે અંધકારમાં પ્રથમ તો એક અમર અનિર્વાણ  આછી પ્રભા ઝબકી-મૃત સ્મૃતિ ફરી જીવિત થવા ઈચ્છતી હોય તેમ. ભૂલા પડેલા ચંદ્રના કિરણની માફક એ ભમતી હતી ને રાત્રિ સમક્ષ રાત્રિની ઘોરતા પ્રકટ કરતી હતી. અંધકાર સર્પાકાર અમળાતો હતો. એની કાળી ફણાઓનાં રત્નોનો ગૂઢ પ્રકાશ દેખાતો હતો. પ્રકાશમાત્ર એને પીડાકારક લાગતો હતો. એની ઉપર પ્રકાશનું  આક્રમણ થાય તે એને માટે અસહ્ય હતું, તેથી તે એને ગૂંગળાવી મારવા માગતો  હતો. પરંતુ પ્રકાશ ફાવતો રહ્યો ને વૃદ્ધિંગત થયો.

              સાવિત્રી પોતાના લોપાયેલા આત્મા પ્રત્યે પ્રબુદ્ધ થઈ ને અત્યારે અદૃશ્ય પોતાના પ્રેમી ઉપર દુરંત દાવો ચાલુ રાખી રહી. પરિણામે ફરીથી એણે યમનો પદરવ સાંભળ્યો ને સત્યવાન પણ એને પ્રકાશમાન છાયારૂપે દેખાયો. યમરાજે પોતાનો પ્રાણહારી સ્વર રાત્રિમાં ધ્વનાવ્યો :

               " આ તમોમયી અનંતતા મારી છે. અહીં છે નિત્યની નિશાનો નિવાસ, અહીં છે શૂન્યની નિગૂઢતા. જોયો આ તેં તારો પ્રભવ ?  હજુય શું તું ટકી રહીને પેમ રાખવા માગે છે ? "

               સાવિત્રી કંઈ ન બોલી. એણે આંતર દૃષ્ટિથી જોયું કે પોતાના જીવનનો ઉત્સ અમર છે. એને જ્ઞાન થયું કે પોતે તો અજન્મા છે, સનાતન છે. પોતાની અમર્ત્ય દૃષ્ટિ સાવિત્રી ઉપર સ્થિર ઠેરવી યમ બોલ્યો : " આ અપ્રજાત શૂન્યમાં તું હજી જીવતી રહી છે, તો પણ સત્યવાન વિના જ થોડી વાર જીવવા જેટલો જ વિજય તને મળ્યો છે. જે દેવી તારા હૃદયને હજુ ધડકતું રાખી રહી છે તે તારા દુઃખદ સ્વપ્ન સમ અસ્તિત્વને લંબાવી તારી શાશ્વત શાંતિને વિલંબિત બનાવી રહી છે. માણસ પોતાની જાતને મોટી બનાવી તેને ઈશ્વરનું નામ આપે છે. પોતાનાથી વધારે અચેત આકાશની પ્રતિ સહાય માટે પોકાર ઉઠાવે છે. જે દેવોનાં અનિમેષ નેત્રો પૃથ્વી ઉપર ચોકી રાખે છે તે દેવોએ જ માણસ ઉપર મનનો બોજો લાધો છે. માણસ તો માત્ર પશુ છે ને દેવો એને ચરાવે છે. એને આપવામાં આવેલું જ્ઞાન નિરર્થક છે. અખૂટ ઈચ્છાઓ એને ચાબકારે છે. પરંતુ જો તું હજીય આશાળુ રહેતી હોય ને પ્રેમ

૧૭૪


કરવા માગતી હોય તો તારા શરીરમાં પાછી જા ને દૈવ સાથેની બાંધછોડથી જે માધુર્યૌ મળે છે તે માણ. પણ સત્યવાનને પાછો મેળવવાની  આશા તો રાખતી જ નહિ. પણ તેં પ્રકટ કરેલા અદભૂતપૂર્વ બળને જેવો તેવો ઉપહાર ઘટતો નથી, તેથી તારા ઘવાયેલા જીવનને સાંત્વન મળે તે માટે તને મનપસંદ વરદાનો આપી શકું છું. એક સાર જીવનની આશાઓની પુર્ત્તિ થાય એવું પસંદ કરી લે."

              સાવિત્રીના માનસમાં લસલસતા વિચારો લહર્યા.  આખરે એ બોલી : " ઓ મૃત્યુના મહાઘોર મોરા ! હું તને નમતી નથી. તું છે કાળું જૂઠાણું. મને મારી અમરતાનું ભાન છે, મારા આત્માની વિજયી શકિતનું ભાન છે. હું તારી પાસે યાચના કરવા નથી આવી. દીપ્તિમંત દેવોના દ્વન્દ્વયુદ્ધમાં દૈવતવંતો આત્માય હઠીલો બનશે. દુર્બળોને દયાથી અપાતી ભૂંડી ભીખ હું માગતી નથી. મારો પરિશ્રમ યુધ્ધે ચઢેલા દેવોનો પરિશ્રમ છે. જડતત્વ ઉપર મનનો મહાનિયમ મૂકીને અચિત્ શકિત પાસેથી તેઓ આત્માની અભીપ્સિત વસ્તુ મેળવે છે.

               મારી પ્રથમ માગણી છે કે મારા પતિએ પોતાના કૌમાર્યકાળથી પોતાના સુંદર જીવનને માટે જેનાં જેનાં સ્વપ્નાં સેવ્યાં હોય તે સઘળું આપ--આપવું જ પડે તો આપ ને તાકાત હોય તો ના પાડ."

                યમે હકારમાં ઘૃણાપૂર્વક માથું નમાવ્યું અને કહ્યું : " મારો સ્પર્શ થતાં જ પડી ભાગનારાં સ્વપ્નાં પ્રત્યે કૃપાલુ ભાવે તને વરદાનો આપું છું. જા, સત્યવાનનો અંધ પિતા દેખતો થશે ને ગુમાવેલો રાજ્યવૈભવ પુનઃ પ્રાપ્ત કરશે. હવે સત્વર પાછી ફર, નહિ તો મારા નિષ્ઠુર નિયમો અંતે તારી ઉપર દારુણ દૃષ્ટિ ઉઘાડશે."

                 પણ સાવિત્રીએ ઉપેક્ષક દેવને ઉત્તરમાં કહ્યું :

                  " હે વિશ્વાત્મક દેવ !  હું તારી સમોવડિયણ જન્મી છું. તારી નિયમાવલિઓની શીલાકઠોર મીટથી હું કંપતી નથી.મારો આત્મા પોતાના જીવંત અગ્નિથી એમને ભેટશે. તારી તામિસ્ર છાયાઓમાંથી પુષ્પો ધારતી પૃથ્વી માટે સત્યવાન મને તું પાછો આપ. માનવી અંગોની મધુર ભંગુરતામાં હું એને સહારે મારા આત્માનો ઉજજવલ સંકલ્પ સિદ્ધ કરીશ, પુરાણી પૃથ્વીમાતાનો બોજો એની સાથે ઉપાડીશ, પ્રભુ પાસે લઈ જતા જગતના માર્ગોએ એને અનુસરીશ, અથવા તો જો મારે માટે સનાતનનાં આકાશો ઊઘડશે ને અમારી આસપાસ અલૌકિક ક્ષિતિજો સુદૂર સરકતી જશે ત્યારેય અનંત અજ્ઞાતમાં અમે સહયાત્રીઓ બનેલાં રહીશું. એના સાથમાં મેં કાળની યાત્રાઓ કરેલી છે. એને પગલે જઈ હું ગમે તેવી રાત્રિને ભેટીશ, અથવા અનાક્રાંત પર-પારમાં અમારા આત્માઓ ઉપર અકલ્પ્ય ને અદભુત ઉષાઓનો ઉદય થશે. એના આત્માને તું જ્યાં લઈ જશે ત્યાં હું પણ એને અનુસરતી આવીશ."

૧૭૫


          પોતાના અફર નિયમને સાગ્રહ આગળ કરતા યમનો ઘોર ઘોષ સંભળાયો :

           " ઓ ક્ષણજીવી જીવ !  શું તને દૈવી પાંખો પ્રાપ્ત થઈ છે કે મારા તારકો ઉપર પગલાં પાડતા પગ મળ્યા છે ?  તારી મર્ત્ય મર્યાદાઓ ને તારો ભજવવાનો ભાગ તું ભૂલી ગઈ લાગે છે. મેં મૃત્યુએ સર્વ  કાંઈ બનાવ્યું છે, ને સર્વનો હું વિનાશ પણ કરું છું. તારી કંગાલ પ્રાપ્તિઓને લઈને વહેલી વહેલી નાસી છૂટ. મારી આપેલી યાતનાઓ કાળ નહિ શમાવી શકે. લે હું મારી પકડ લઈ લઉં છું, નાસી છૂટ."

            પણ સાવિત્રીએ ઘૃણા સામે ઘૃણા દર્શાવી જવાબ વળ્યો: " રાત્રિએ કલ્પેલો દેવ કોણ છે ? એવો તે એ કેવો દેવ છે કે એ પોતાની રચેલી સૃષ્ટિનો પોતે જ તિસ્વીકાર કરે છે ? એવો દેવ મારા મનોમંદિરનો નિવાસી નથી, મારા હૃદયના પવિત્ર ધામનો પ્રભુ નથી. મારો પ્રભુ સત્ય સંકલ્પ છે, એ એના માર્ગોએ જય મેળવતો હોય છે. મારો પ્રભુ પ્રેમ છે ને એ મધુરતાપૂર્વક સહુ કાંઈ સહી લે છે. એ છે અદભુત, એ છે આત્મસારથિ. એ અક્ષત રહી અસિધારાઓ ઉપર ચાલે છે, પતાળોમાં પ્રવેશે છે ને ત્યાનું એનું દિવ્ય કાર્ય કરે છે, એ શિખરોએ આરોહે છે, ખુલ્લે પગે કઠોરમાં કઠોર ભૂવનોમાં  પગલાં માંડે છે. ઓ હે મૃત્યુ ! એ તારા વિશ્વને નવે રૂપે ઘડશે."

              જરા વાર તો કશો જવાબ ન આવ્યો. આગળ ચાલતાં એક ભયંકર ધારે તેઓ અટક્યાં, ને મૃત્યુએ માનવ આત્માને ઉત્તર આપ્યો: " આ તારો દેહ ક્ષણિક છે, આગિયાના અંધકારમાં થતા નૃત્ય જેવું તારું અસ્તિત્વ છે. ઓ અમરતા ઉપર દાવો કરતા હૃદય !  યાદ રાખ કે માત્ર મૃત્યુ જ સ્થાયી છે, અચિત્ શૂન્ય માત્ર શાશ્વત છે. હું એ અકાળ શૂન્ય છું.સીમારહિત છું, એકમાત્ર છું.  હું જ સર્વનો ઈશ્વર છું, બીજો એકે ઈશ્વર નથી. મારા વિના માણસને બીજો એકે આરો નથી. હું મૃત્યુ જ તારા આત્માનો આશ્રય છું. હું સર્વથા શૂન્યાકાર છું. તેં મને તારા આત્મા સાથે મલ્લયુદ્ધનું અહવાન આપ્યું તેથી જ મેં રૂપ ધારણ કર્યું છે. મારે શરીર નથી, મારે જીભ નથી, નથી આંખ ને કાન. एक  એ જ સંતાન છે. નથી સત્યવાન કે નથી સાવિત્રી. પ્રેમ ત્યાં આવતો નથી. ત્યાં કાળ નથી, નથી આકાશ. એ જીવંત રૂપ લેતો નથી, એનું એકે નામ નથી. એને નિજ અસ્તિત્વ માટે કોઈની અપેક્ષા નથી.એ  પોતે જ છે એકાકી અમર આનંદ. તો જો તું અમરતા વાંછતી હોય તો સ્વયંપર્યાપ્ત બની જા. તારા આત્મામાં જ જીવ. જેની ઉપર તારો પ્રેમ છે તેને ભૂલી જા. મારું અંતિમ મૃત્યુ તને જીવનમાંથી ઉગારી લેશે. પછીથી તું આરીહીને તારા અનામી આદિમૂળમાં જશે."

           પણ સાવિત્રીએ એ અઘોર સ્વરને ઉત્તર આપ્યો : " ઓ મૃત્યુ ! તું તર્ક-યુક્તિ લડાવે છે, હું તેવું નથી કરતી. બુદ્ધિ માપે છે, તોડે છે, યા તો નિરર્થક રચે છે. એને પોતાના કાર્યમાં વિશ્વાસ નથી. પણ હું પ્રેમ છું, હું જોઉં છું, હું કાર્ય કરું છું, હું સંકલ્પ સેવું છું."

૧૭૬


           મૃત્યુદેવે એક ઘેરા ઘેરતા અવાજે ઉત્તર આપ્યો : " રે ! જ્ઞાન પણ મેળવ. જ્ઞાન થતાં તું એ સર્વમાંથી પાછી ફરી જશે."

            સાવિત્રીએ માનવજાતની વતી મૃત્યુને ઉત્તર આપ્યો : " હું જયારે હરહંમેશ પ્રેમ રાખતી હોઈશ ત્યારે મને જ્ઞાન પણ થશે. મારી મારી અંદરનો પ્રેમ વિકારોથી આવરાયેલા સત્યને જાણે છે. હું જાણું છું કે જ્ઞાન એક વિશ્વવ્યાપી આશ્લેષ છે. હું જાણું છું કે એકેએક સતત્વ હું પોતે જ છું. અનંતરૂપ એક પ્રભુ હૃદયે હૃદયે રહેલો છે; હું જાણું છું કે પ્રશાંત પરાત્પર પરમાત્મા જ વિશ્વનો આધાર છે, અવ-ગુંઠનમાં રહેલો એ અંતર્નિવાસી છે, નીરવ પ્રભુ છે. એનું ગુપ્ત કાર્ય હું સંવેદું છું. એ છે અંતરંગ અગ્નિ. એનો સચરાચરના સ્વરનો મર્મરધ્વનિ મને સંભળાય છે. હું જાણું છું કે મારું આગમન પ્રભુમાંથી આવેલી એક લહેરી છે. મારા જન્મમાં પ્રભુના સઘળા સૂર્યો સચિત્ હતા. આપણામાં જે પ્રેમી છે તે મૃત્યુનું અવગુંઠન ધારીને આવેલો છે. તને જીતી લેવા, હે મૃત્યુદેવ ! મન અને હૃદય લઈને માણસ જન્મ્યો છે.

             પોતાના સામ્રાજ્ય ઉપર નિર્ભર રહેલા મૃત્યુએ કશો ઉત્તર ન આપ્યો. પણ પોતાની ગુપ્ત તરવારથી સજજ, એક સ્થિર મૂર્ત્તિ, અસ્પષ્ટ છાયા, એક અર્ધદૃષ્ટ ઉદાસીન મુખ વાદળાંમાં દેખાયું. રાત્રિનો સાંધ્ય સંભાર એને માથે જટાજૂટ હતો, ચિતાભસ્મ એના ભાલમાં ત્રિપુંડ્ર હતું.

              સાવિત્રીએ ફરી પાછું અનંત રાત્રિમાં પર્યટન આરંભ્યું. એની આસપાસ અંધકારનું વેરાન ગોટવાયેલું હતું. એની ગળી જતી રિકતતા અને નિરાનંદ મૃત્યુ સાવિત્રીના માનોવિચારનો, જીવનનો ને પ્રેમનો વિરોધ કર્યે જતાં હતાં. ભૂત-છાયા સમાં અર્ધદૃષ્ટ ત્રણે આછેરા અંધકારમાં આગળ ચાલ્યાં.

 

ક્ષણેક સઘળાં ઊભાં રાત્રિ કેરી

થિજાવી નાખતી ઘોર કિનાર પે

જાણે કે મરવા કેરો મહાદંડ પામ્યું ના એક હો જગત્,

ને જોવા વાટ એ લાગ્યાં કાંઠે નિત્યતણી નીરવતાતણા.

મેઘે છાયાં ડરાવંતાં ભવાં જેવું ઝાંખી નીરવ ચૂપકી

મહીંથી તેમની પ્રત્યે વ્યોમ ઝૂકી રહ્યું હતું.

વિચારો જેમ ઊભા રે' નિરાશામાં નાખતી ધારની પરે

જહીં અંતિમ ઊંડાણો શૂન્યમાં ઝંપલાવતાં,

પામે અવશ્ય જ્યાં અંત્ય સ્વપ્ન અંત ત્યાં તેઓ અટકી ગયાં;

છાયા-પાંખો સમાં સામે તેમની તમસો હતાં,

 

૧૭૭


 

અને પાછળની સંધ્યા તેજોહીન ને પ્રાણ રહિતા હતી

દૃષ્ટિ જેવી કો મરેલ મનુષ્યની.

પાર બુભુક્ષિતા રાત્રી સાવિત્રીના જીવને ઝંખતી હતી.

પરંતુ હજુયે એના મંદિરાયિત ઓજના

એકાંત ગોખમાં આત્મા એનો ચેષ્ટાહીન અર્ચિ-સમુજજવલ

બળતો 'તો મૂક સીધો પ્રજવલંત મશાલ શો,

બારીવાળા ઓરડાની મહીંથકી

અંધકાર તણી કાળી છાતી સામે તકાયલી.

સ્ત્રીએ સર્વથકી પ્હેલો ગર્તનો સામનો કર્યો,

ખેડ્યું સાહસ યાત્રાનું નિત્યની રાત્રિમાં થઈ.

જ્યોતિઃશસ્ત્રે સજ્જ એણે અગાડી પગલું ભર્યું

ઘોર ને રંગથી રિક્ત રિક્તમાં ઝંપલાવવા;

ભયનો ક્રૂર નિને ત્ર વેરાન પ્રદેશના

એના અમર નિર્ભીત આત્માએ સામનો કર્યો.

માનુષી પગલાંઓએ સાવિત્રીનાં ગૂઢ વિરચતાં ગતિ,

બીડેલાં પોપચાં સામે સરતી મૂર્ત્તિઓ સમાં

રાત્રિની મેશના જેવી ભૂમિ સામે તેઓ ચાલી રહ્યાં હતાં,

ક્રિયા તરી રહેલી ને પ્રવહંતી તેમની ગતિ લાગતી:

સ્વપ્નાંમાં તેમ એ સર્વ સર્પતાં ને આગે સરકતાં હતાં.

ખડકોનાં દ્વારવાળી ભારે ભીંતો પૂઠે છોડાયેલી હતી;

પાછા સરી જતા કાળ કેરા જાણે સંચારો મધ્યમાં થઈ

વર્તમાન અને ભૂત પામ્યા લોપ અકળામાં;

ઝાંખા જોખમની ધારે નિરોધાઈ

ભવિષ્યકાળ ડૂબીને શૂન્યે ડૂલ થઈ ગયો.

ઢબી જનાર આકારો મધ્ય તેઓ અસ્પષ્ટ વળતા હતા;

અંધકારતણા લોક કેરી આછી થઈ જતી

દોઢીઓએ કર્યો સત્કાર તેમનો,

જ્યાં તેઓ ખસતાં લાગ્યા છતાં સ્થિર જ ત્યાં હતાં,

ક્યાંય ના વધતાં આગે છતાં તેઓ ચાલતાં લાગતાં હતાં,

મૂગું જલૂસ ઝાંખા કો ચિત્રે જાણે ચિત્રી રાખેલ હોય ના,

ન વાસ્તવિક દૃશ્યે કો ચેતનાવંત મૂર્ત્તિઓ.

રહસ્યમયતા એક મહાત્રાસ કેરી નિઃસીમતાતણી,

એવી જંગી દયાહીન રિક્તતાએ

નિજ ભૂખ્યું બળ ભેગું કર્યું બધું

૧૭૮


 

ને વીંટળાઈ એ ધીરે ગહનોથી નિજ નિઃસબ્દતા  ભર્યાં,

રાક્ષસી કંદરા જેવા ને બેડોળ ગળામહીં

ગળી એને ગઈ એ ગૂંગળાવતા

છાયાઓએ ભરેલા નિજ ઢેરમાં,

અધ્યાત્મ યાતના ક્રૂર હતી એ એક સ્વપ્નની.

અભેધ ભયના એક

પડદા શો અંધકાર એના ઇન્દ્રિય-પિંજરા

આસપાસ ઝઝૂમતો ,

વૃક્ષો જયારે બની જાય છાયાના ડબકા સમાં

ને વિલાઈ જતી છેલ્લી આભા સૌહાર્દ દાખતી,

ત્યારે જેમ શિકારીઓ દ્વારા બદ્ધ બેલની આસપાસમાં

વન મધ્યે વીંટળાઈ વળે ખાલી નહીં એવી વિભાવરી.

વિચાર મથતો લોકે અહીં વ્યર્થ બન્યો હતો;

જીવવા ને જાણવાનો સ્વપ્રયાસ એણે દીધો હતો તજી,

પોતે ન 'તો કદી એવી અંતે એને ખાતરી થૈ ગઈ હતી

પામ્યો એ નાશ, સૌ એના ક્રિયા કેરા સ્વપ્નનો અંત આવિયો :

થીજી ગયેલ આ મીડું પરિણામ કળુડું એહનું હતું.

આ ઘોર શૂન્યના ગૂંગળાવતા દાબની મહીં

વિચારી શકતું 'તું ના મન, શ્વાસી શ્વસી ના શકતો હતો,

શક્તિમાન ન 'તો ચૈત્ય સ્મરવા કે સંવેદવા સ્વરૂપને;

પોલાણ લાગતું 'તું એ વાંઝણી રિક્તતાતણું ,

પોતે પૂર્યો હતો જેહ સરવાળો

તેને ભૂલી ગયેલું શૂન્ય એ હતું,

સર્જનહારના હર્ષ કેરો ઇનકાર એ હતું,

સાચવી રાખવા જેને

ન 'તી વિશાળ વિશ્રાંતિ, ન 'તું ઊંડાણ શાંતિનું.

જે સર્વ હ્યાં કરે દાવો સત્ય હોવાતણો પ્રભુ,

ને સચેતાત્મ હોવાનો, ને હોવાનો શબ્દ દૃષ્ટિ ઉઘાડતો,

સર્જનાત્મક આનંદ હોવાનો મનનો, અને

હોવાનો પ્રેમ ને જ્ઞાન અને હરખ હાર્દનો,

તે સૌ માથે પડયો આવી અસ્વીકાર અસીમ એ

નિત્ય કેરા નકારનો.

જેમ તિમિરમાં લુપ્ત થાય હેમ-પ્રદીપ કો

એકાંક્ષાથી આંખડીની લઈ દૂર જવાયલો,

૧૭૯


 

તેમ અદૃશ્ય સાવિત્રી છાયાઓમાં થઈ ગઈ.

ન 'તી ગતિ, ન 'તો માર્ગ, ન 'તો ત્યાં અંત, લક્ષ્ય ના :

અખાતોમાં અસંવેદી દૃષ્ટિહીન ગતિ એ કરતી હતો,

યા કો પ્રચંડ ને કાળા અજ્ઞાન વિજને થઈ

હંકાર્યે રાખતી હતી,

યા આકસ્મિકતા કેરા ઘોર હસ્તે એકઠા જે થયા હતા

તે મહાપવનો કેરા મૂગા વંટોળિયામહીં

ચકરાતી જતી હતી.

એ ભયંકર વિસ્તારે એની સાથે તહીં કોઈ હતું નહીં :

હવે જોતી ન 'તી એ ત્યાં અવિસ્પષ્ટ અતિભીષણ દેવને,

એની આંખે હતો ખોયો દીપ્તિમંત પોતાના સત્યવાનને.

આ કારણે છતાં એનો આત્મા હારી ગયો નહીં,

પરંતુ બ્હારથી જેઓ પકડે ને મેળવે છે ગુમાવવા

તે મર્યાદાબદ્ધ ઇન્દ્રિયગ્રામથી

વધારે ગાઢ ઊંડાણે રાખી એણે પકડી પ્રિય વસ્તુને.

આમ તેઓ રહેતાં 'તાં પૃથ્વી ઉપર તે સમે

એને કુંજગલીઓમાં ભટકંતો એણે અનુભવ્યો હતો,

ને એ કુંજગલીઓનું દૃશ્ય એની પોતાની ભીતરે હતું,

ને એ દૃશ્યે દરારો તે પરિદૃશ્યો નિજ આત્માતણાં હતાં

જે પોતાનાં ખોલતાં 'તાં રહસ્યો સત્યવાનની

શોધ ને સંમુદા પ્રતિ,

કાં કે સતર્ક રે'નારું જે માધુર્ય સાવિત્રીને ઉરે હતું

તેને માટે સત્યવાન જે જે સ્થાન

પસંદ કરતો પ્યારાં પગલાં નિજ માંડવા

તે તે સધ: બની જાતું સ્થાન જેમાં

સાવિત્રીનો આત્મ આલિંગને લેતો હતો એના શરીરને,

મૂક ભાવાવેશપૂર્ણ બનતો 'તો પગલે સત્યવાનના.

પરંતુ અવ બન્નેની વચ્ચે એક ગર્ત નીરવ આવિયો,

પડી ઘોર ઊંડાણ કેરી એકાંતતામહીં,

સ્વરૂપથીય પામેલી બહિષ્કાર, દૂર સુદૂર પ્રેમથી.

ચૈત્યાત્માના દુઃખ કેરી ધબકોએ કાળ જયારે મપાય છે

ત્યારે લાંબી ઘડીઓ જેહ લાગતી

તેવી લાંબી ઘડીઓમાં કરી એણે મુસાફરી

રિક્ત નીરસતાપૂર્ણ અસત્ અંધારની મહીં

૧૮૦


 

માંડીને પગલાં મુર્દા ઉપરે જિંદગીતણા

નિર્વાણગત જીવોની અંધતામાં વિલોપિતા.

શૂન્યની યાતનામાં એ મૃત્યુ હોવા છતાં જીવી એકલડી, 

હજીએ એ જય મેળવતી હતી;

એના બલિષ્ટ આત્માને દાબવાનું નિરર્થક થતું હતું :

એની ભારે અને લાંબી દુઃખની એકતાનતા

ધીરે ધીરે ગઈ થાકી ઉગ્ર એની આત્મરીબમણીથકી.

આરંભે, ઓલવી જાય નહીં એવી એક મંદપ્રભ ધુતી

ઝાંખી પરંતુ અમરા ઝબૂકી અંધકારમાં,

મૃતાત્માઓ કને જાણે પુનર્જીવન વન વાંછતી

સ્મૃતિ એક સમાગતા,

જેહ પ્રકૃતિની જન્મકાળની નીંદને સમે

મનમાંથી વિલોપાઈ ગઈ હતી.

ભમતી એ હતી ભૂલા પડેલા શશિરશ્મિ શી

પ્રકાશે આણતી રાત્રી સામે એના ઘોરતાના સ્વરૂપને;

સર્પાકાર હતો સૂતો ફેલાયેલો અંધકાર ઉજાશમાં,

એની કાળી ફણાઓએ પ્રભા ગૂઢ રત્નરમ્ય વિરાજતી;

સંકોચાતી હતી એની વલીઓ મંદતાવતી

સુંવાળી ચળકે ભરી,

ધારતી કુંડલાકાર અને સરકતી હતી,

જાણે કે ક્રૂર પીડા શો લાગતો 'તો સર્વ પ્રકાશ તેમને,

ઉપાગમન આશાનું આછેરુંયે એમને કષ્ટ આપતું.

રાત્રીને લાગતું 'તું કે

જડ એનું રાજ્ય કાળું સમાક્રાન્ત થયું હતું;

દીપ્તિ કોક શુભ્ર શાશ્વતતાતણી

ભમતા સત્યની આછી આ આભાએ ધમકાવી રહી હતી

એના સામ્રાજ્યને શાશ્વત શૂન્યના.

દુરારાધ્ય બળે સ્વીય અસહિષ્ણુ બનેલ એ

ને એ પોતે જ છે સત્ય એવો વિશ્વાસ રાખતી,

ગૂંગળાવી મારવા એ મથી નાજુક રશ્મિને

જે હતું જોખમે ભર્યું;

સર્વને ઈનકારંતી અસીમમયતાતણા

ભાન સાથે શૂન્યતાનું નિજ એણે ઘોર મસ્તક ઊંચક્યું,

મુખ અંધારનું એનું છે તે સૌને ગળી ગયું;

૧૮૧


 

એણે પોતામહીં જોયો અંધકારમય કેવલરૂપને,

પરંતુ હજુયે જ્યોતિ જીતી ને એ હજુયે  વધતી ગઈ

ને સાવિત્રી ગુમાવેલા સ્વ સ્વરૂપ પ્રત્યે પામી પ્રબોધતા;

એનાં અંગોએ નકાર્યો શીત આશ્લેષ મૃત્યુનો,

દુઃખના ગ્રાહમાં એના હૈયા કેરી ધબકો વિજયી થઈ;

હવે સાવ ન દેખાતા પોતાના પ્રેમપાત્રના

આત્મા પર નિજાનંદ માટે દાવો

આત્મા એનો સાગ્રહ કરતો રહ્યો.

એની આગળ એ લોકતણી નિઃસ્પંદતામહીં

ફરી પાછો સુણ્યો એણે દેવતાનો પદધ્વનિ,

અને એનો પતિ સત્યવાન મૂગા એહ અંધારામાંહ્યથી

પ્રકાશમાન છાયાને રૂપે પ્રાકટ્ય  પામિયો.

પછીથી મૃત ને ઘોર પ્રદેશે એ ગાજ્યો એક મહાધ્વનિ :

શ્રાંત કો તરવૈયાને કાને જંગી તરંગ શો,

શોર મચાવતો, લોહ-હૈયાની એ હતો ઘાતક ગર્જના,

મૃત્યુએ રાત્રિને પ્રાણહારી પોકાર પાઠવ્યો.

" અંધકારમયી મારી છે આ મૌન અનંતતા,

છે આ નિવાસનું સ્થાન નિત્યસ્થાયી નિશાતણું,

રહસ્યમયતા છે આ શૂન્યાકારસ્વરૂપની,

મિથ્થાત્વ જિંદગી કેરી કામનાઓ કેરું જ્યાં દફનાય છે.

ક્ષણભંગુર હૈયા ઓ ! જોયું તેં તુજ મૂળને ?

જાણ્યું ને તું સ્વપ્નરૂપા શામાંથી સરજાઈ છે ?

સાચોસાચી આ નરી ને નગ્ન નિઃસારતામહીં

હમેશાં ટકવાની ને ચ્હાવાની તું શું હજી આશ રાખતી ? "

સ્ત્રીએ ઉત્તર ના આપ્યો.

જાણતી રાત્રિ કેરા ને વિચારંતા મૃત્યુ કેરા અવાજનો

એના આત્માએ સ્વીકાર કર્યો નહીં.

અનાદિ નિજ આનંત્યમહીં એણે નિજાત્મના

પરિબદ્ધ નથી એવા વિસ્તારોમાં થઈને પાર પેખિયું;

નિજ જીવનના એણે જોયા અમર ઉત્સ ત્યાં,

જાણ્યું એણે કે અજન્મા અને શાશ્વત છે સ્વયં.

કિન્તુ તેમ છતાં અંતહીન રાત્રી મૂકી એની વિરુદ્ધમાં

ઘોર મૃત્યુતણો દેવ દારણા નિજ દૃષ્ટિની

અમર્ત્ય સ્થિરતા સ્થાપી સાવિત્રીની આંખો ઉપર, ઊચર્યો:

૧૮૨


 

" અજન્મા શૂન્યતા પૂઠે જોકે તું જીવમાન છે,

કિંતુ જેહ બલાત્કાર આદિ કેરા વિરચ્યો છે વિચારને,

નિશ્ચલા બૃહતી માથે

બેળે ફરજ લાદી છે સ્હેવા ને જીવવાતણી,

તેને કદીય માફી એ નહીં આપે ટકશે કાળ ત્યાં સુધી,

માત્ર દુઃખદ તેં જીત મેળવી છે

જરાક જીવવા કેરી સત્યવાનતણા વિના.

હૈયાની ધબકોને જે તારી સહાય આપતી

તે તને આપવાની છે શું પુરાતન દેવતા ?

તે લંબાવી રહી ખાલી શૂન્ય એવું અસ્તિત્વ તુજ સ્વપ્નનું

ને જીવન-શ્રમ દ્વારા વિલંબિત બનાવતી

નિદ્રાને તુજ શાશ્વતી.

વિચાર કરતી માટી કેરી એક શ્રમજીવી ચમત્કૃતિ,

કાળનો બાળ ચાલે છે ભ્રમણાઓ વડે સજ્યો.

આસપાસ લહેવાતું ને પોતે જેહથી ડરે

તે શૂન્ય ભરવા માટે-શૂન્ય પોતે જ્યાંથી આવેલ છે અને

જાય છે જેહની પ્રતિ,

બૃહત્ બનાવતો જાત પોતાની એ

અને એને પ્રભુનું નામ આપતો.

નિજ દુઃખી થતી આશાઓને સાહાય્ય આપવા

સ્વર્ગોને એ પુકારતો.

સતૃષ્ણ હૃદયે જોતો નિજથી ઊર્ધ્વની દિશે

અવકાશો શૂન્ય પોતાનાથી વધુ અચેતન,

પોતાને જેહ છે તેવોયે જેઓને મનનો અધિકાર ના,

નિજ જૂઠી નીલિમાના વિના જેઓ ખાલી છે અન્ય સર્વથી

ને તેઓને વસાવે એ શક્તિઓથી ધુતિમંતી દયામયી.

કેમ કે સિંધુ ગર્જે છે આસપાસ એની ને ધ્રૂજતી ધરા

એના પગતણી નીચે, અને અગ્નિ છે એને છેક બારણે

અને ઘૂરકતું મૃત્યુ શિકારાર્થે ઘૂમે જીવનને વને.

ઝંખતો જેમની સાથે તે સાન્નિધ્યો વડે પ્રેરિત એ થઈ

મંદિરોમાં દુરારાધ્ય અર્પે છે નિજ આત્મને

ને સર્વને સજે છે એ નિજ સ્વપ્નાંતણી સુંદરતા વડે.

નિર્નિદ્ર નેત્રોથી જેહ દેવતાઓ પૃથિવીને નિરીક્ષતા

ને જંગી ઠોકરો એની દોરતા અવકાશમાં,

૧૮૩


 

તેમણે માનવીને છે આપ્યો બોજો એની માનસ શકિતનો;

અનિચ્છુ હૃદયે એના પેટાવ્યા છે એમણે નિજ પાવકો

અને એની મહીં રોપી છે અસાધ્ય અશાંતિને.

અજાણી પગથીઓએ મન એનું શિકારે નીકળેલ છે;

નકામી શોધખોળથી કાળનું મન રંજતું,

વિચારથી બનાવે છે એ ગભીર રહસ્ય નિજ ભાગ્યનું

ને સ્વીય હાસ્ય ને સ્વીય અશ્રુઓને આપે છે રૂપ ગાનનું.

સ્વપ્નાં અમરનાં એની મર્ત્યતાને તંગ તંગ બનાવતાં,

એની ભંગુરતાને એ આપે કષ્ટ પ્રાણોચ્છવાસે અનંતના,

શમે ના કોઈયે ખાધે એવી ભૂખો એનામાં એમણે ભરી;

ઢોરઢાંખર છે એ ને એના ગોવાળ દેવ છે.

એનું શરીર છે રાશ જેનાથી એ નિબદ્ધ છે,

શોક, આશા અને હર્ષ એને માટે તેઓ નીરણ નાખતા :

વાડે અજ્ઞાનની બાંધી એમણે છે એની ગૌચરભૂમિને.

એના ભંગુર ને રક્ષા વિનાના વક્ષની મહીં

અનુપ્રાણિત કીધી છે એમણે એક વીરતા

જેનો ભેટો લેવાને મૃત્યુ આવતું,

પ્રાજ્ઞતા એક આપી છે ઉપહાસ કરે છે રાત્રિ જેહનો,

આંક્યો છે માર્ગ યાત્રાનો જે ન જોતો નિજ લક્ષ્ય અગાઉથી.

અનિશ્ચિત જગે એક શ્રમો સેવે લક્ષ્યવિહીન માનવી

શમતો શાંતિમાં ના જે સ્થિર એવા વિરામોએ સ્વદુઃખના

અનંત કામના કેરા કોરડાઓ ખાતો પશુ સમાન એ,

બંધાયેલો રથે દેવોતણા ભીમભયંકર.

પરંતુ હજુએ આશા રાખવા તું સમર્થ હો

અને પ્રેમ હો તું હજુય માગતી

તો ધરા સાથ બાંધે છે તેઓ જેને તે દેહે  તુજ જા ફરી,

ને યત્ન જીવવા કેરો

કર હૈયાતણા તારા અલ્પસ્વલ્પ રહેલા અવશેષ શું.

આશા રાખ ન લેવાની તારે માટે પાછો સત્યવાનને.

પરંતુ ઓજને તારા તાજ કોઈ નાનો શો ઘટતો નથી,

તેથી દઈ શકું છું હું ઉપહારો, ઘવાયલા

તારા જીવનને સાંત્વન આપવા.

ક્ષણભંગુર જીવો કરારો ભાગ્ય શું કરે,

ને જમીને જડયાં હૈયાં ચૂંટી માધુર્ય લે માર્ગ-કિનારનું,

૧૮૪


 

તે જો કબુલ હો તારી ઈચ્છાને તો તારાં બનાવ છૂટથી.

ઠગનારા પુરસ્કાર સાટે પસંદ લે કરી

આશાઓ જિંદગીતણી."

જેવો એ અટક્યો ઘોર અવાજ ક્રૂર ને કડો

ને સાવિત્રીમહીં ઊઠયો અંત આવે ન એ વિધે

સળવળાટ વિચારોનો જન્મી કો મૌનમાંહ્યથી,

એક પ્રકંપતા ઓધે શશિસુભ્ર શૈલોની માલિકા સમો,

એનું અગાધ ને મૂક સિન્ધુ જેવું હૈયું પાર કરી જતો.

બોલી આખર એ; એનો અવાજ રાત્રિએ સુણ્યો :

" તને ન નમતી હું, ઓ ભીમકાય મુખના છદ્મ મૃત્યુના,

સંત્રસ્ત માનવી જીવ માટે છે તું કાળું જૂઠ નિશાતણું ,

અસત્ ને વસ્તુઓ કેરો અંત અપરિહાર્ય તું;

તું ભયંકર છે ઠઠ્ઠો અમરાત્મા ઉપરે આચરાયલો.

ચાલું છું ભાન રાખી હું મારામાં અમૃતત્વનું.

છું વિજેતા આત્મ, ભાન મને છે મુજ શકિતનું,

યાચના કરતી આવી નથી હું તુજ બારણે :

હણાયા વણ હુ જીવી રહેલી છું રાત્રિનો ગ્રાહ છે છતાં.

મારો આરંભનો તીવ્ર શોક મારા

સ્થિતપ્રજ્ઞ મનને ન ચળાવતો;

અશ્રુઓ અણઢાળેલાં મારાં મોતી બળ કેરાં બનેલ છે :

મારી ભંગુર બેઠંગી માટીને મેં રૂપાંતરિત છે કરી

અતં:પુરુષની એક દૃઢ સ્થાપત્યમૂર્ત્તિમાં.

દેદીપ્યમાન દેવોની મલ્લકુસ્તીમહીં હવે

આત્મા મારો નકારોની સામને આ જગત્ તણા

હઠીલો ને શકિતશાળી બની જશે.

અધીન માનસો કેરાં ટોળાં સાથે નીચતા નહિ દાખવું,

જે ઉત્સુક અને તૃપ્ત હસ્તો સાથે વીણવા કાજ દોડતાં

તેના કીચડ ને ઝાઝા ખૂંદતા પાય મધ્યથી

દુર્બળોને અપાયેલાં ક્ષુદ્ર ક્ષુદ્ર અનુદાનો દયાતણાં

વીણી લેતાં અવજ્ઞા પામવા છતાં.

છે મારો શ્રમ સંગ્રામે મચેલા દેવલોકનો:

તારકો પાર છે જેની રાજ્યસત્તા તે સંકલ્પ જવલંતને

લાદીને મંદતાયુક્ત અનિચ્છુ વરસો પરે

જડદ્રવ્યતણાં કર્યો પર તેઓ મનનો ધર્મ સ્થાપતા,

૧૮૫


 

ને પૃથ્વીની અચિત્ શકિત પાસેથી તે

ચૈત્યાત્માની ચાહનાની વસ્તુની પ્રાપ્તિ સાધના.

પ્હેલી આ માગણી મારી,

પતિ મારા સત્યવાને વનની મોહિનીમહીં

નિજ નિર્મલ ને લાંબા બાલ્ય કેરાં એકાંત સ્વપ્નમાંહ્યથી

જાગી, સુંદર પોતાના જીવનાર્થે

હતું જે ના અને જેની હો એણે કામના કરી

તે આપવું પડે તો લે આપ, યા તો પાડ ના શકિત હોય તો."

યમે શિર કર્યું નીચું તિરસ્કારભર્યા ઠંડા હકારમાં,

યમે જેણે બનાવી છે પૃથ્વી આ સ્વપ્નના સમી,

ને જે સૌ દાન દીધાં છે

તેમનો છે કર્યો જેણે ઉપહાસ બનાવી વ્યર્થ એમને.

ઊંચા ઘોર વિપત્કારી સ્વરની સાથ એ વધો :

" મારે સ્પર્શે ભગ્ન થાતાં સ્વપ્નાં પર કૃપા કરી

લાલસાપૂર્ણ હૈયાને એના અંધ પિતાતણા

આપું છું હું રાજ્ય, સત્તા, મિત્રો, લોપ પામેલો મહિમા વળી,

એની શાંતિભરી વૃદ્ધાવસ્થા માટે આપું છું સાજ રાજવી,

પાંડું આડંબરો ક્ષીણ થતા માનવ આયુના,

જિંદગીના પાત કેરાં રૂપારંગી માહાત્મ્યો હ્રાસ પામતાં .

વૈરી દુર્ભાગ્યથી ડાહ્યો જે વધારે થયેલ છે

તેને પાછી અપાવું છું માલમત્તા જેને માયામહીં પડી

જીવ પસંદગી આપે વ્યક્તિભાવ વિનાની રિક્તતાતણા

સાદા ઉત્કૃષ્ટ સ્થાનમાં.

વિશાળતર વિસ્તાર જેઓ માટે હોત શક્ય બની શક્યો

ને ગભીરતરા દૃષ્ટિ તેઓ કેરી અગાધ રાત્રિની મહીં,

તે આંખોને દિલાસો, જા, આપું છું હું પ્રકાશનો.

આને અંતે માણસે એ ઈચ્છા રાખી હતી અને

યાચના વ્યર્થ કીધી 'તી અને આશા નિષેવી નેહથી હતી.

મારા જોખમથી પૂર્ણ રાજ્યોના મહિમાથકી

પાછી જા, મર્ત્ય ! તું તારી અનુજ્ઞાત અલ્પીયા ભૂમિકામહીં !

પાછી જો ઝડપી પાયે, કે રખે જે મહાન નિયમોતણું

તેં ઉલ્લંઘન કીધું છે

તેઓ તારી જિંદગીનો આણવાને અંત પ્રવૃત્ત થાય, ને

તારી સામે કરે ખુલ્લી અંતે આંખો નિજ આરસના સમી."

૧૮૬


 

જવાબમાં કહ્યું કિંતુ સાવિત્રીએ  તુચ્છકારંત છાયને :

" હે વિશ્વાત્મન્ ! જન્મ મારો આત્મારૂપે થયો તારા સમોવડો.

હું મારી મર્ત્યતામાંય અમર્ત્ય છું.

કર્મનિયમ ને દેવતણાં પાષણ નેત્રથી

જોતી તારી અવિકાર્યા આરસ-શ્રેણિઓતણી

નિશ્ચલા દૃષ્ટિની સામે નથી હું પ્રવિકંપતી.

એમને ભેટવા માટે

આત્મા મારો છે સમર્થ નિજ જીવંત અગ્નિથી. 

પાછો આપી મને દે તું તારી છાયામહીંથી સત્યવાનને

વિસ્તારોમાંહ્ય પૃથ્વીના પુષ્પપુંજે પ્રફુલ્લતા,

મીઠી ભંગુરતા સાથે એનાં માનવ અંગની,

સંકલ્પ મુજ આત્માનો દીપ્તિમંતો

એના સાથમહીં પાર ઉતારવા.

એની સાથે હું વહીશ બોજો પ્રાચીન માતનો,

પ્રભુ પ્રત્યે લઈ જાતો પૃથ્વીનો માર્ગ એહની

સાથે અનુસરીશ હું.

નહીં તો શાશ્વતાકાશો

મારે માટે થશે ખુલ્લાં ને તે વેળા અમારી આસપાસમાં

દૂર દૂર સરી જાશે ક્ષિતિજો ચિત્ર ચિત્ર કૈં,

ને અનંત અવિજ્ઞાતે સાથે સાથે અમારી સફરો થશે.

કેમ કે પાય માંડયા  છે એની સાથે મેં માર્ગો પર કાળના,

પગલે પગલે એના યાત્રા હું કરતી રહી

ગમે એવી નિશાનેયે ભેટવાને સમર્થ છું,

અથવા પારનું છે જે ખડાયા વણનું તહીં

કલ્પી જાય નહીં એવી ઉષા અદભુત ઊઘડે

તો તેને અપનાવવા.

જ્યાં જ્યાં દોરી જશે એના જીવને તું ત્યાં ત્યાં પીછો લઈશ હું."

કિંતુ એના દવા કેરા વિરોધમાં

ઝૂમતાં નિર્જનોમાંથી નિશાતણાં

આવ્યો અવાજ ઓજસ્વી ડારતો ને ઘૃણાભર્યો,

અપ્રશામ્ય, અવિકાર્ય, શાસનાદેશનો આગ્રહ રાખતો, 

બદલ્યે જાય ના એવો કર્મધર્મ

ને સૃષ્ટિ વસ્તુઓ કેરી તુચ્છતાને માટે આગ્રહ રાખતો,

અવિજ્ઞેય અગાધોની સમસ્યાની મહીંથી જન્મ પામતો.

૧૮૭


 

ઝંઝાકેશાવળીવાળા દૈત્ય લંગતો પેઠે છ

સિંધુ જે વાર પોતાનું ઘોર હાસ્ય કો તારા પર નાખતો,

સ્મરતો સર્વ આનંદ સ્વોર્મિઓએ જેને ડૂલ કર્યો હતો,

તેમ નારીતણા સીમાહીન હૃદય સામને

શાસન કરતી રાત્રી કેરા અંધકારમાંહ્યથી

સર્વસમર્થ ઊઠયો ત્યાં મહાઘોષ વિશ્વવ્યાપક મૃત્યુનો:

"અભીપ્સા રાખતા હામભર્યા નાજુક સત્ત્વ હે !

શું તારી પાસ છે પંખો દેવોની કે

પાય મારા તારાઓ પર ચાલતા,

કે તું ભૂલી ગયેલી છે સીમાઓ સ્વવિચારની

ને તારી મર્ત્ય ભૂમિકા ?

તારા જીવે રૂપ લીધું તે પહેલાં વળાયા એમના.

મારા શૂન્યમહીંથી મેં મૃર્ત્યુએ એ ગોલકો સરજયા હતા;

એમનામાં રચી છે મેં વસ્તુઓ સૌ, હું નાશ તેમનો કરું.

વિશ્વોને મેં બનાવ્યાં છે જાળ મારી, પ્રત્યેક હર્ષ પાશ છે.

જિંદગી ભરખી જાતી છે ક્ષુધા એક, પ્રેમ જે

શિકાર પર રાખે છે પોતાની પીડ વેઠતા,

વસ્તુઓમાં એ મારી પ્રતિમૂર્ત્તિ જો.

મારો પર્યટતો શ્વાસ, હે ! તુજ જીવ છે,

છે કલ્પેલી સ્મિતે મારે એહની ક્ષણજીવિતા,

ભાગ, કંગાલ લાભોને પાકી પકડમાં લઈ,

શમાવશે નહીં શીઘ્ર કાળ જેને

એવાં મારાં દીધાં દુઃખે વિદારિત

તારા કંપમાન વક્ષ પ્રત્યે કર પલાયન.

મારી બધિર શકિતની આંધળી ઓ ગુલામડી,

જેની પાસે કરવું હું

પાપકર્મ બલાત્કારે કે શિક્ષા હું દઈ શકું,

કરાવું કામના જેથી મારી હું કોરડા શકું

નિરાશા અથ શોકના,

લોહીલુહાણ જેનાથી મારી પાસે તું આવી જાય આખરે,

સમજી જાય કે પોતે નથી તું કૈં,

મારું માહાત્મ્ય આવે તુજ જાણમાં,

ને નિષિદ્ધ સુખી ક્ષેત્રો પ્રત્યે તું જાય ના વળી

ને એ માટે પ્રયાસે આદરે નહીં,

૧૮૮


 

જે ક્ષેત્રો છે રખાયેલાં

તે જીવો કાજ કે જેઓ મારો નિયમ પાળતા,

રખે ને તેમના ઘેરા નિલયોમાં જાય તારો પદધ્વનિ

ને બેચેન લોહવક્ષા નિદ્રામાંથી જગાડે ચંડ શકિતઓ

જે પુરાયેલ ઈચ્છાની ઉપરે વેર વાળતી.

ડરજે કે રખે ભાવાવેશે આશા રાખી જ્યાં જીવવાતણી

તે વ્યોમોની મહીં માંડે અવિજ્ઞાત કેરી વીજો ઝબૂકવા,

ને ત્રસ્ત, એકલી, ખાય ડૂસકાં તું, ને તારી પૂઠળે પડે

શિકારી કૂતરા સ્વર્ગ કેરા, ને તું ઘવાયેલી,તજાયલી

પલાયન કરે લાંબી સૈકાઓની રિબામણમહીં થઈ,

અનેક જિંદગીઓથી પણ શક્ય

નથી અંત એ અવિશ્રાંત રોષનો,

શમે ન નરકે એ કે ન દયાએય સ્વર્ગની.

તારી ઉપરનો કાળો અને શાશ્વત  કાળનો

લઈ ગ્રાહ લઈશ હું :

રાખી હૃદય શું દાબી દૈવે તારે દીધા ભીખેલ દાનને

શાંતિમાં લે વિદાય તું,

શાંતિ ન્યાય્ય હોય માણસ કાજ જો."

અવજ્ઞાથી અવજ્ઞાનો પરંતુ સામનો કરી

આપ્યો ઉત્તર મર્ત્યાએ -સાવિત્રીએ એ ભયંકર દેવને:

" કોણ છે દેવ આ જેને કલ્પ્યો છે તુજ રાત્રિએ,

તિરસ્કાર ભરી રીતે તિરસ્કાર્યાં ભુવનો જેહ સર્જતો,

મિથ્થાભિમાનને માટે બનાવ્યા છે જેણે સ્ફુરંત તારકો ?

નથી તે એ વિચારોમાં મારા જેણે નિજ મંદિર છે રચ્યું

ને મારું માનવી હૈયું બનાવ્યું છે પવિત્ર પાયભૂમિકા.

છે મારો પ્રભુ સંકલ્પ

જે પોતાના માર્ગોએ વિજયી થતો,

પ્રેમ છે પ્રભુ મારો જે સમાધુર્ય સહે બધું.

આશા એને સમર્પી છે મેં યજ્ઞબલિદાનમાં,

સંસ્કારવિધિમાં મારી આસ્પૃહાઓ સમર્પિત કરેલ છે.

છે અદભુત ને સૂત અને છે દ્રુતવેગ જે

તેને નિષેધશે કોણ યા તો એની ગતિને અવરોધશે ?

કોટી જીવન-માર્ગોનો છે એ યાત્રી,

પિછાને પગલાં એનાં જ્યોતિઓ સ્વર્ગધામની,

૧૮૯


 

નરકાલયના ખડગે ખચેલા ચોકની મહીં

પડે છે પગલાં એનાં પીડાનુભવના વિના;

તહીં એ ઉતરે નિત્યાનંદની ધાર આણવા.

પ્રેમની હેમ-પાંખોમાં

છે તારા શૂન્યને ક્ષુબ્ધ કરવાની સમર્થતા:

આંખો પ્રેમતણી તાકે તારા જેમ મૃત્યુની રાત્રિની મહીં,

કઠોરતમ લોકોમાં પ્રેમ નગ્ન પાયથી પગલાં ભરે.

સેવે એ શ્રમ ગર્તોમાં, ઉલ્લસે શિખરો પરે,

એ તારા વિશ્વને, મૃત્યો ! નવેસર બનાવશે."

બોલી એ, ને જરાવાર કો અવાજે આપ્યો ના પ્રતિ-ઉત્તર,

તે દરમ્યાન ચાલ્યા એ કરતાં 'તાં માર્ગ-રહિત રાત્રિમાં,

ને પાંડુ નેત્રના જેવો એ પ્રકાશ હતો હજુ

અંધારને પરેશાન કરતો ત્યાં નિજ સંદિગ્ધ દૃષ્ટિથી.

એકવાર ફરી આવ્યો ઊંડો ને ભયથી ભર્યો

વિરામ એ અસત્ યાત્રામહીં અંધ સૂનકારમહીં થતી;

એકવાર ફરી ઊઠયો રિક્તતામાં વિચાર ને

શબ્દ એક, અને આપ્યો મૃત્યુદેવે જવાબ મનુ-જીવને :

" તું શાની આશા રાખે છે ? શાને માટે અભીપ્સતી ?

આ તારા દેહને માટે

મહાસુખતણું સૌથી મધુરું છે પ્રલોભન,

દુઃખાક્રાંત, નાશવંત ને અનિશ્ચિત રૂપનું,

થોડાં વરસને માટે સુખ દેવા

લથડંતા તારા ઇન્દ્રિયગ્રામને,

તનના તલસાટોનું મધ આપી, આપી ધગશ હાર્દની,

ભાગનારી ઘડી કેરી દેદીપ્યમાન મૂર્ત્તિને

લેવા આશ્લેષમાં ચ્હાતું નકામી એકતામહીં.

ને તું, તું કોણ છે ?  જીવ ! તેજસ્વી સ્વપ્નમાત્ર તું

અલ્પજીવી લાગણીઓ ને વિચારોતણું ચમકથી ભર્યા, 

રાત્રિ મધ્ય થઈ શીઘ્ર જતા ખધોતવૃન્દનું

વિરલ એક નૃત્ય તું,

ખમીર ચમકારાઓ મારતું તું

જિંદગીના સૂર્યોદભાસિત કર્દમે.

હે હૈયા ! કરશે શું તું દાવો અમરતાતણો,

સર્વકાલીન સાક્ષીઓ સામે પોકાર આદરી

૧૯૦


 

કે તું ને તે શકિતઓ છો અંતહીન ટકી રે'નાર સર્વદા ?

મૃત્યુમાત્ર ટકી રે 'છે ને રહે છે ટકી અચેત રિક્તતા. 

છું સનાતન હું માત્ર, રહું છું માત્ર હું ટકી.

છું બૃહત્ નિરાકાર ને અત્યંત ભયંકર,

છું હું તે રિક્તતા જેને જનો નામ આપે છે અવકાશનું,

સર્વને ધારવાવાળી છું હું અકાળ શૂન્યતા,

સીમારહિત છું હું, છું નિઃશબ્દ एक एव હું.

'सोऽहम्' છું મૃત્યુ હું, મારા વિના પ્રભુ ન અન્ય કો.

ગહનોમાંહ્યથી મારાં જન્મ્યા છે સૌ, મૃત્યુથી જીવતા રહે;

ગહનોમાંહ્ય મારાં સૌ ફરે પાછા ને મટી જાય છે પછી.

સૃષ્ટિ એક રચી છે મેં મારી અચેત શકિતથી.

આશાળુ હૃદયોને ને જીવવાની લાલસાભર અંગને

સર્જે ને સંહારે છે જે તે નિસર્ગરૂપ છે શકિત માહરી

એનું ઓજાર ને દાસ બનાવ્યો મેં મનુષ્યને,

જેનું શરીર છે મારી મિજબાની

અને એની જિંદગી મુજ ભોજ્ય છે.

માનવીને નથી બીજી સાહ્ય મૃત્યુ સિવાય કો;

અવસાન થતાં એનું એ મારી પાસ આવતો

આરામ, શાંતિ પામવા.

હું, મૃત્યુ, આશરો એકમાત્ર છું તુજ જીવનો.

મનુષ્ય જેહ દેવોને પ્રાર્થતો તે

સાહ્ય તેને આપવાને સમર્થ ના;

તેઓ મારી કલ્પનાઓ અને માનસભાવ છે 

પ્રતિબિંબિત એનમાં માયા કેરા પ્રભાવથી.

જુએ છે જેહને તારા અમરાત્મા સ્વરૂપ તું

તે તારી માંહ્યનું મૃત્યુ છે સેવંતું સ્વપ્ન શાશ્વતતાતણું.

છું હું અચલ જેનામાં વસ્તુઓ સૌ કરે ગતિ,

છું શૂન્યાકાર હું નગ્ન જેમાં થાય સમાપ્ત સૌ:

મારે દેહ નથી, મારે નથી જીભેય બોલવા,

માનુષી આંખ કે કાન દ્વારા મારો વ્યવહાર થતો નથી;

માત્ર તારા વિચારે છે રૂપ એક સમર્પ્યું મુજ શૂન્યને.

અભીપ્સુ દિવ્યતાની ઓ ! છે તેં આહવાન આપિયું

મને કુસ્તી કાજ તારા આત્મા સાથે, છે મેં તે એક કારણે

ધાર્યું વદન, ધાર્યું છે રૂપ, વાચા ધરેલ છે.

૧૯૧


 

પરંતુ સર્વના સાક્ષીરૂપ કો એક સત્ત્વ હો

તો તારી તીવ્ર ઈચ્છાને શી રીતે સાહાય્ય શકશે કરી ?

અળગો નીરખે છે એ એકાકી અથ કેવલ,

અનામી શાંતિમાં છે એ ઉદાસીન તારા પોકારની પ્રતિ.

આત્મા વિશુદ્ધ છે એનો, વ્રણહીન, એક ને ગતિહીન છે.

અનંત એક ન્યાળે છે અચિત્ ક્ષેત્ર મરે જ્યાં સર્વ વસ્તુઓ,

તારાઓ ફેન છે જહીં.

एक જીવંત છે સર્વકાલ. ત્યાં સત્યવાન કો

બદલાતો ન 'તો જન્મ્યો, ને સાવિત્રી ન કોઈ ત્યાં

અલ્પ જીવન પાસેથી નિજ માટે માગે રિશ્વત હર્ષની.

રૂસતી રડતી આંખો લઈને ત્યાં કદી પ્રેમ ન આવતો,

નથી ત્યાં કાલ, કે ના ત્યાં વ્યર્થ વિસ્તાર વ્યોમના.

ધારતું એ ન જીવંત મુખ કોઈ, નામ એકે ન એહનું,

ન એને દૃષ્ટિ, ના હૈયું ધબકંતું, માગતું એ દ્વિતીય ના

એની અસ્તિત્વતણી સાહ્યે કે હર્ષોમાં એના ભાગ પડાવવા.

છે એને આનંદ એકાકી અમૃતત્વે વિરાજતો.

અમૃત્વતણી ઈચ્છા હોય તો તું

એકલી નિજ આત્માને માટે પર્યાપ્ત જા બની :

નિવાસ નિજમાં રાખ; ભૂલી જા ચાહે છે તે મનુષ્યને.

મારું અંતિમ ઓજસ્વી મૃત્યુ તારો

સમુદ્ધાર કરશે જિંદગીથકી;

ને તું આરોહશે તારા અનામી પ્રભવે પછી."

સાવિત્રીએ કિંતુ આપ્યો ઉત્તર ઘોર શબ્દને :

"યુકિતથી બોલતા મૃત્યુ ! યુકિત હું ન પ્રયોજતી,

યુકિત પર્યાવલોકે ને ખંડે, કિંતુ કરી મંડન ના શકે,

કે મંડાણ કરે મોઘ,

કેમ કે એ અવિશ્વાસ સ્વકાર્ય પર રાખતી.

હું છું, હું પ્રેમ રાખું છું,

જોઉં છું, આચરું છું હું, અને સંકલ્પ સેવું છું."

યમે ઉત્તરમાં એને કહ્યું એના ઘેરા ને ઘેરતા રવે:

" વળી જ્ઞાનવતી થા તું, થતાં જ્ઞાન પ્રેમથી તું વિરામશે,

વિરામશે સ્વસંકલ્પથકી તારા હૈયાથી મુકિત મેળવી,

એમ તું નિત્યને માટે લેશે આરામ ને સ્થિર બની જશે,

કબૂલ તું કરી લેશે વસ્તુઓની અનિત્યતા."

૧૯૨


 

પરંતુ માનવી માટે સાવિત્રીએ આપ્યો ઉત્તર મૃત્યુને :

યદા મેં નિત્યને માટે સેવ્યો પ્રેમ હશે તદા

મને જ્ઞાન થઈ જશે.

મારી અંદરનો પ્રેમ

પિછાને છે સત્ય, જેને છિપાવે છે સઘળાં પરિવર્તનો.

જાણું છું કે જ્ઞાન એક છે આશ્લેષ મહા બૃહત્ :

જાણું છું કે ભૂતમાત્ર મારું આત્મસ્વરૂપ છે,

કોટાનુકોટિ જે एक તે છુપાઈ હૃદયે હૃદયે રહ્યો.

પ્રશાંત પરમાત્મા છે ધારી ભુવનને રહ્યો,

છે પ્રચ્છન્ન નિવાસી એ, ઈશ નીરવ એહ છે :

ગુપ્ત એનું લહું કાર્ય અંતરંગ અગ્નિ હું એહનો લહું;

અંતરિક્ષી શબ્દનો હું સુણું છું મર્મરધ્વનિ.

મારો આગમ જાણું છું છે તરંગ આવતો પ્રભુ પાસથી.

કેમ કે સૂર્ય એના સૌ મારા જન્મે ચિત્પ્રકાશી રહ્યા હતા,

અને જે એક છે પ્રેમી આપણામાં

તે આવ્યો 'તો મૃત્યુના છળવેશમાં.

પછી મનુષ્યનો જન્મ થયો ઘોરરાક્ષસી તારકો વચે,

જીતી લેવા તને જેને વરદાને મળ્યાં 'તાં મન ને ઉર."

નિજ નિષ્ઠુર સંકલ્પ કરી શાશ્વતતામહીં

સ્વ સામ્રાજ્યતણી જેને ખાતરી છે,

ખાતરી છે બખ્તરે સજ્જ શકિતની,

 

તે મૃત્યુદેવતા કાંઈ બોલ્યો ના ઉત્તરે ફરી,

ઉપેક્ષા કરતો જેમ કરે કો સ્વ શિકારના

મોંથી નીકળતા ઉગ્ર નિઃસહાય સ્વરોતણી.

ઊભો એ મૌન ધારીને લપેટાઈ તમિસ્ત્રમાં,

નિશ્ચલ પ્રતિમા એક, છાયા અસ્પષ્ટભાસતી,

સજ્જ વિભીષિકાઓએ નિજ ગુપ્ત કૃપાણની.

અભ્રોમાં અર્ધ-દેખાતું પ્રકટ્યું મુખ શ્યામળું;

રાત્રિનો સંધિકાલીન મૌલી એની હતો જટા,

ચિતાભસ્મ હતી એને ભાલે ચિહ્ન ત્રિપુંડ્રનું.

એકવાર ફરી અંતરહિતા રાત્રિની મહીં

પરિવ્રાજક એ બની,

મૃત ને રિક્ત નેત્રોનો અંધ નિષેધ પામતી,

મૂગા નિરાશ વિસ્તારોમહીં એણે નિજ યાત્રા કરી.

૧૯૩


 

આસપાસ હતું એની

ગોટાઓ ગબડાવંતું કંપમાન વેરાન અંધકારનું,

રિક્તતા જે ગળી જાતી ને નિરાનંદ મૃત્યુ જે

તે હતાં દાખતાં રોષ સાવિત્રીના વિચારની

અને જીવનની પ્રત્યે ને એના પ્રેમની પ્રતિ.

લાંબી આછી થતી રાત્રિ મધ્યે બેળે એનાં પ્રેરાયલાં ત્રણે

અપાર્થિવ પથે પોતા કેરા અર્ધ-દૃષ્ટ સરકતાં હતાં,

ઝાંખા અંધારમાં છાયાભાસની મૂર્તિઓ સમાં.

૧૯૪


 

બીજો સર્ગ સમાપ્ત

 

નવમું  પર્વ  સમાપ્ત